સિધ્ધ યોગી શ્રી વિભાકર પંડ્યા

||  હરિ ૐ તત્સત  ||

બ્રહ્માલીન શ્રી વિભાકર પંડ્યા સિદ્ધ યોગી હતા. યોગ અને કુંડલિનીના ગૂઢ વિષયમાં તેમનું યોગદાન ખુબ મહત્વનું છે. યોગના પ્રાચીન વિષયમાં નવીનતાપૂર્ણ વૈજ્ઞાનિક સાધના પદ્ધતિ વિકસાવવા માટે તેમણે ખુબ જ ઊંડું અને મૌલિક એવું પ્રયોગાત્મક પ્રદાન કરેલું છે.

તેમની નાની બહેનના અવસાન પછી, તેમને સતત પ્રશ્ન થતો કે “મૃત્યુ પછી માનવનું શું થાય છે”. તેમના આ પ્રશ્નનો જવાબ શોધવા માટે તેમણે ભારત અને નેપાળમાં ઘણા જ્ઞાત -અજ્ઞાત સંતોનો પરિચય કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો, આ વિષયક પ્રત્યક્ષ પ્રયોગો કર્યા.  તેમણે આ માટે વેદ -ઉપનિષદ અને જાગતિક સાધનાના તમામ શાસ્ત્રોનો તલ-સ્પર્શી અભ્યાસ કર્યો, વિશ્વના વિવિધ ધર્મો અને સંપ્રદાયો વિષે ઊંડી સમજ અને જાણકારી મેળવી. તેમના ત્રીસ વર્ષના પ્રખર પરિશ્રમ બાદ તેમને મૃત્યુ પછીના જીવન વિશેના તેમના પ્રશ્નનો ઉત્ત્તર પણ મળ્યો અને સાથે સાથે તેમને “આત્મ-સાક્ષાત્કાર” પણ થયો. પોતાના આ ત્રીસ વર્ષના આધ્યાત્મિક પરિભ્રમણ દરમ્યાન તેમને જે જ્ઞાન પ્રાપ્ત થયું તે જ્ઞાન સમાજને પાછું આપવાના મહા સંકલ્પમાંથી જ આપણને “સિદ્ધયોગ સાધન મંડળ” નામક સંસ્થાની ભેટ મળી છે. આ સંસ્થા સિદ્ધ યોગી શ્રી વિભાકર પંડયાજીનું માનસ સંતાન જ કહી શકાય.  તેમણે આ સંસ્થાનો પ્રારંભ ઈ.સ. ઓગણીસસોને છોત્તેર ( 1976) માં કર્યો હતો. “સિદ્ધયોગ સાધન મંડળ” ના નેજા હેઠળ, યોગના માર્ગ પર સંઘર્ષ કરી રહેલા ઘણા બધા સાધકોને સિધ્ધ યોગી સહજ માર્ગદર્શન આપી રહ્યા છે. તેમના નવીનતા પૂર્ણ અને વૈજ્ઞાનિક અભિગમ હેઠળ, ઘણા બધા સાધકોએ આધ્યાત્મિક વિજ્ઞાનના માર્ગ પર ચાલવામાં આવતી શંકાઓનું પ્રત્યક્ષ અને સહજ સમાધાન પ્રાપ્ત કર્યું છે અને તે રીતે પોતાની સાધનયાત્રામાં પ્રગતિ કરી આત્મ સાક્ષાત્ત્કારના માર્ગે સહજ પ્રસ્થાન કર્યું છે.

આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટેનો તેમનો નવીનતાપૂર્ણ અને વૈજ્ઞાનિક અભિગમયુક્ત સાધનાકીય અભ્યાસક્રમ પ્રારંભિકથી અદ્યતન એવી તેર શિબિરોમાં વિભાજીત કરેલ છે. આ શિબિરોનો અભ્યાસ સાધકો સમાજ જીવનમાં રહીને કરતાં રહે છે અને તે રીતે “આત્મ-સાક્ષાત્કાર” તરફ આગળ વધતાં રહે છે. તે જ સાથે સાધકો સિદ્ધ યોગ સાધન મંડળ દ્વારા સંચાલિત આધ્યાત્મિક પ્રવૃતિઓમાં સહજ સહભાગી બની સમાજમા યોગના અમૂલ્ય શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરવાની યજ્ઞિય પ્રવૃત્તિમાં નિમિત્ત પણ બનતાં રહે છે.

જ્યારે સિદ્ધિયોગી દેહ ત્યાગ કરે છે ત્યારે તેમાનો આત્મા “બ્રહ્મરંધ્ર” દ્વારા શરીર ત્યાગ કરે છે. આ ખૂબ જ દુર્લભ મૃત્યુ છે. ઉચ્ચ ક્ષમતાવાળા યોગીના જીવનમાં જ આ ઘટના બને છે. જે મન પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે તે જ આવું કરી શકે એમ યોગ શાસ્ત્રોમાં કહેલ છે.જ્યારે આત્મા શરીરનો આ રીતે ત્યાગ કરે છે, ત્યારે મૃતકના શરીરમાં લાંબા સમય સુધી બગાડ આવતો નથી . આ રીતે દેહ ત્યાગ કરેલ યોગીનું શરીર જીવંત માનવીના શરીર જેવું જ તંદુરસ્ત લાગે છે.

ઑક્ટોબર સોળ ઈ.સ. બે હજાર અને છ ના રોજ સિદ્ધ યોગી શ્રી વિભાકર પંડયાજી આ જ રીતે “બ્રહ્મરંધ્ર” દ્વારા સ્વૈચ્છિક રીતે સમાધિમાં પ્રવેશ કર્યો હતો. તેમના મસ્તકમાં તેનું છેદયુક્ત નિશાન સ્પષ્ટ રીતે દર્શન થતું હતું.  તેમના મૃતદેહને બરફનો ઉપયોગ કર્યા વગર કે કોઈ દવાના ઉપયોગ વિના લગભગ બે દિવસ – પચાસ કલાક રાખવામાં આવ્યું હતું જેથી શિષ્યો તેમના પ્રિય ગુરુના અંતિમ દર્શન કરી શકે. આ બે દિવસ – પચાસ કલાક દરમ્યાન સિદ્ધ યોગીના શરીરમાં કોઈ સડો કે ખરાબી આવી ના હતી. પચાસ કલાક પછી પણ શરીર ખૂબ નરમ હતું, હાથ અને પગની આંગળીઓ જીવંત માનવીની જેમ વળાંક લઇ શકતી હતી. આ પચાસ કલાક દરમિયાન તેમના મૃત દેહમાં કોઈ ભારે પણું પણ ના અનુભવાયું હતું

આપણે ગર્વથી કહી શકીએ છીએ કે પૂજ્ય ગુરુજી શ્રી વિભાકર પંડયાજીએ તેમના જીવનના ફક્ત પાંસઠ જ વર્ષમાં પાંચસો વર્ષના ગાળામાં થાય તેટલું બધું આધ્યાત્મિક કાર્ય કર્યું છે. આ સાથે તેમણે સહુ સાધકો અને સમાજને એક સહજ ઉદાહરણ પણ આપ્યું કે આધ્યાત્મિક સાધના સાંસારિક ફરજો બજાવતાં બજાવતાં , સામાજિક પ્રવૃત્તિઓ અને પારિવારિક બાબતોનું સંચાલન કરતા કરતા પણ કરી શકાય છે. સદગુરુ શ્રી વિભાકર પંડયા હવે શારીરિક રીતથી અસ્તિત્વ નથી ધરાવતાં પરંતુ તેમની ચેતના તેમના બધા સાધકો દ્વારા સહજ કામ કરે છે અને તેમણે જે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શરૂ કરી હતી તે ભારત અને વિદેશમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહી છે.

હાલમાં સિદ્ધયોગ પરંપરા સિદ્ધ યોગી શ્રી વિશાલ ભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ ખુબ જ ઉત્સાહથી આગળ વધી રહી છે અને દેશ-વિદેશમાં અનેક અધ્યાત્મ યાત્રાના જિજ્ઞાસુઓને સહજ માર્ગ દર્શન આપતી રહી છે.

શ્રી સિદ્ધયોગ સાધન મંડળ.

||  હરિ ૐ તત્સત  ||