સિદ્ધયોગનો માર્ગ

||  હરિ ૐ તત્સત  ||

 

સિદ્ધયોગનો માર્ગ એ યોગના નિષ્ણાત એવા પ્રાચીન યોગીઓ દ્વારા સાધકો માટે રચાયેલ વૈજ્ઞાનિક પધ્ધતિનો માર્ગ છે જે સાધનાના માર્ગ પર ત્વરિત પણ સલામતીથી ચાલવામાં સાધકોને માટે ખાસ સહાયક છે.

આ માર્ગની ખાસિયત એ છે કે આમાં સિધ્ધ થયેલ પાત્ર તે જ્ઞાન પ્રત્યક્ષ ગુરુ પાસે બેસી અને અનુભવ દ્વારા આત્મસાત કરેલ હોય છે. આવી રીતે તપ અને સાધના બાદ પ્રાપ્ત કરાયેલ જ્ઞાન જયારે સાધકોમાં સંચારિત કરવામાં આવે છે ત્યારે તેમાં કલ્પના, અટકળ કે ધારણા દ્વારા ગેરમાર્ગે દોરાવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. આ માર્ગમાં સાધક યોગના દરેક પાસાનું  અનુભવ દ્વારા સહજ શિક્ષણ મેળવે છે. આ વાત રજૂ કરવા પાછળનો ખાસ હેતુ એ છે કે આમ સમાજમાં અધઃકચરા યોગના જ્ઞાનના નામે સાધકોને કલ્પના, ધારણા અને અટકળ દ્વારા ભ્રમિત કરી સાધનામાં સાચી પ્રગતિ કરાવવાની જગ્યાએ ભટકાવી નાખવામાં આવે છે. સાધકો માટે આવા અધઃ કચરા માર્ગ દર્શકો પાસે જવું એ ખરેખર જોખમ ભર્યું  છે.

આ અર્થમાં, સક્ષમ ગુરુના પ્રત્યક્ષ માર્ગ દર્શન કે કૃપા હેઠળ યોગ શીખવો એ ખુબ જરૂરી છે. હકીકતમાં ગુરુ કૃપાના આ સહજ માર્ગને શક્તિપાતનો માર્ગ પણ કહેવામાં આવે છે.

સદગુરુ વિભાકર પંડયા એ સિદ્ધયોગ સાધન મંડળ દ્વારા શક્તિપાતના આ જ માધ્યમ દ્વારા દીક્ષા આપવાનો મહાયજ્ઞ શરુ કરેલ હતો. સદગુરુ વિભાકર પંડયા એ એક સિદ્ધ યોગી હતા અને તેમના જીવનમાં યોગની સાચી શિક્ષા પ્રાપ્ત કરવા તેમણે સમગ્ર ભારત અને નેપાળમાં જીવનના અમૂલ્ય એવા ચાલીસ વર્ષ પરિ ભ્રમણ કર્યું હતું અને વિવિધ સાધના પદ્ધતિઓને પ્રત્યક્ષમાં સમજી , અનુભવી, આત્મસાત કરી અને આત્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું સાથે સાથે તેમણે વેદ, ઉપનિષદ અને સનાતન ધર્મ તથા જગતના તમામ ધર્મોનો સઘન અભ્યાસ પણ કર્યો હતો. આ બધું તેમને સાંસારિક અને વિવાહિત જીવનમાં રહી અને કર્યું હતું। પોતાના જીવનના આ અમૂલ્ય ચાલીશ વર્ષ ભ્રમણ કાર્ય બાદ જગતના સાધકોના ખાસ લાભાર્થે તેમણે સાધના માટેનો એક વિશેષ માર્ગ પણ તૈયાર કરેલ છે.

સાધકોની જાણ ખાતર આપણે એક મહત્વની વાત જે શક્તિપાત પરંપરાને લગતી છે, તે પણ સમજીએ. ખરી રીતે શક્તિપાતની પરંપરાની ત્રણ શાખાઓ છે.

પ્રથમ ભગવાન વેદ વ્યાસ દ્વારા રચિત

બીજી ઋષિ પરશુ રામ દ્વારા રચિત

ત્રીજી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રચિત

સિદ્ધયોગ સાધન મંડળમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રચિત ત્રીજી શાખાની પરંપરા પ્રમાણે સદગુરુ વિભાકર પંડયાએ હજારો સાધકોને શક્તિપાતની દીક્ષા આપેલી છે અને વર્તમાનમાં તે જ પરંપરા તેમના સુપુત્ર અને શિષ્ય (શિષ્ય પ્રથમ …!) સિધ્ધ યોગી શ્રી વિશાલ ભાઈ દ્વારા ભારત, અમેરિકા, કેનેડા અને વિશ્વના અનેક દેશોમાં આગળ વધારવામાં આવી રહેલ છે.

||  હરિ ૐ તત્સત  ||

|| હરિ ૐ તત્સત ||