ભલે પધાર્યા ...

||  હરિ ૐ તત્સત  ||

 

સિધ્ધયોગ સાધન મંડળમાં આપનું સ્વાગત છે.

આધુનિક વિશ્વએ ભૌતિક તંત્રજ્ઞાન(ટેક્નોલોજી)ના અદભુત ઉપયોગ દ્વારા દુનિયામાં ઘણી જ અજાયબીઓની રચના કરી છે. આ વેબસાઇટને તમારા લેપટોપ, ડેસ્કટોપ અથવા મોબાઇલ ડિવાઇસ પર તમે જોઈ શકો છો, તે ખરેખર માનવતા માટે એક બેનમૂન ભેટ છે …!

આ સાથે સાથે તે જ ટેક્નોલોજીએ આધુનિક દુનિયામાં માનસિક તાણ, વધુ ઉત્સાહપૂર્ણ સ્પર્ધા અને ઘણા અન્ય વ્યક્તિગત અને સામાજિક દુષણો પણ ઉભા કરેલા છે તે ના ભૂલવું જોઈએ. આપણે તે દુષણો વિષે હમણાં વધુ વાત નહીં કરીએ. આ અતિશય સ્પર્ધાત્મક વલણને કારણે સરેરાશ માનવતા સતત તાણમાં જીવન જીવે છે એવું સહજ નિરીક્ષણ આપણે વર્તમાં સમયમાં જોઈએ છીએ. અતિશય સ્પર્ધામય અને મૂડીવાદી એવા આ આધુનિક વિશ્વમાં મૂળભૂત માનવીય મૂલ્યો અને માનવતાપૂર્ણ ભાવને કોઈ સ્થાન નથી. ભૌતિક વસ્તુઓ ભેગી કરવામાં જ ખોવાઈ ગયેલા માનવીએ અજાણતા જ આ દુ:ખની સ્થિતિને સામે ચાલીને અપનાવી છે એવું સહજ પ્રતીત થાય છે.

આધુનિક યુગની આ ટેક્નોલોજીના પ્રભાવને કારણે નોકરી અને વ્યવસાયમાં આવેલા અતિશય ગતિશીલ અભિગમને કારણે વધુ અને વધુ મનુષ્યો અસ્વસ્થતા અનુભવે છે અને લગભગ કાયમી દુઃખમય સ્થિતિમાં જ રહે છે.

આવા સમયમાં હળવાફૂલ અને બાળજ જેવી તાજગી પામવા મોટા ભાગના માનવીઓ વધુ પડતા પૈસા ખોટી જગ્યાએ ખર્ચે છે, બિનજરૂરી ખરીદી કરે છે, નકામી ફિલ્મો જુએ છે અથવા દેશ-વિદેશની મુસાફરી સુધ્ધાં કરે છે. આધુનિક સમયમાં, આધુનિક માનવીના હળવા થવાના ઘણાં રસ્તાઓ પોતે જ તણાવપૂર્ણ પરિસ્થિતિ ઉભી કરી દે છે જે પોતે જ એક મૂળભૂત સમસ્યા છે.

સહજ છે કે માનવી ઉપર જણાવેલ વિવિધ માર્ગે સુખને પામવાનો વ્યર્થ પ્રયત્ન તો કરે છે પણ તેમાંના મોટાભાગના માર્ગો  તેને શાશ્વત સુખ, શાંતિ અને આનંદ નથી આપી શકતા.  જેવો કોઈ માનવી આ વિવિધ માર્ગો દ્વારા સુખ મેળવવાનો પ્રયત્ન કરી થોડીકે રાહત અનુભવે છે ત્યાં સુધીમાં તો રજાઓ સહજ સમાપ્ત થઈ જાય છે અને તે ફરી પાછો તણાવપૂર્ણ જીવનશૈલીમાં ધકેલાઈ જાય છે …!

આ દુ:ખમય પરિસ્થિતિને પાર જવા કોઈ વૈજ્ઞાનિક, કુદરતી અને ઓછા ખર્ચે સહજ આનંદ પામી શકાય એવો નુસખો આધુનિક માનવી પાસે છે ખરો?

એક અર્થમાં આપણે એમ કહી શકીએ કે ધ્યાનયોગ તે માટે આપણી સહાય કરી શકે તેમ છે. ધ્યાનયોગ દ્વારા માનવી જ્યાં છે ત્યાં રહીને સહજ તણાવ મુક્ત સ્થિતિને પામી શકે છે. ધ્યાન યોગના અભ્યાસ દ્વારા આપણે જે સહજ હળવાશ મેળવીએ છીએ કે મેળવી શકીએ છીએ, તે કુદરતી રીતે આપણી સાથે વધુમાં વધુ સમય રહે છે. ધ્યાન એક રીતે માનવીને માનસિક સંતુલિતતા, શારીરક આરામદાયક સ્થિતિ, હોંશ પૂર્ણતા અને કુદરતી જીવન જીવવામાં સહજ સહાય કરે છે.

ધ્યાન ખરેખર શું છે? એક રીતે એમ કહી શકાય કે તે વિચારોથી પાર એવી શુદ્ધ ચેતનામય અવસ્થા છે. એક અર્થમાં આપણે એમ કહી શકીએ ધ્યાન એ સમગ્રતાની એવી સ્થિતિ છે જેમાં આપણે જાગૃત સભાનતા સાથે જીવનના દરેક કામો સહજતાથી પાર ઉતારી શકીએ. ધ્યાનની આ અવસ્થા ધ્યાન યોગના વૈજ્ઞાનિક અભ્યાસ અને તે પ્રમાણે જીવન જીવવાના અભિગમ દ્વારા કોઈને પણ પ્રાપ્ત થઈ શકે છે.

 

||  હરિ ૐ તત્સત  ||